લઘુધિરાણ ક્ષેત્રે અવ્યવસ્થાનું જોખમ

નોટબંધીનું એક વર્ષ સત્તાધારી પક્ષે કાળાં નાણાં વિરોધી દિવસ તરીકે ઉજવ્યો અને વિપક્ષે કાળા દિવસ તરીકે. અમદાવાદમાં છેવાડાના લોકો સાથે કામ કરનારી સ્વૈચ્છિક સંસ્થાઓએ ભેગા થઇને થાળી- વેલણ વગાડી લોકોનો અવાજ રજૂ કર્યો, તો ભાજપના સમર્થકોએ એક વર્ષ દરમિયાન નોટબંધીથી થયેલા ફાયદા દર્શાવતાં બેનર અને પોસ્ટર સાથે દેખાવ કર્યા. સરકારના દાવા પ્રમાણે, નોટબંધીને કારણે આવકવેરો ભરનાર લોકોની સંખ્યા 25 ટકા વધી છે, કાળાં નાણાં પરની ભીંસ વધી છે અને 1.48 લાખ ખાતામાં અપ્રમાણસર નાણાંની હેરફેર માટે આવકવેરા ખાતાની તપાસ હેઠળ આવ્યાં છે, ડિજિટલ લેવડદેવડમાં વધારો થયો છે. નકલી નોટો સામે અને આતંકવાદીઓને મળતાં નાણાં ટૂંકા સમય માટે નિયંત્રણમાં આવ્યાં હતાં . હવે તેમને ફાયદાની યાદીમાં ગણાવી શકાય તેમ નથી.
નોટબંધીની જાહેરાત જે રીતે કરવામાં આવી એનાથી શરૂઆતમાં લાગ્યું કે કાળાં નાણાં પરનો કાબૂ હાથવેંતમાં જ છે. એવી છાપ ઊભી થઈ, જાણે વર્ષો સુધી જેમણે બે નંબરી ધન ભેગું કર્યું, તેમના ખાનગી ખજાના સુધી સરકારના હાથ પહોંચી ગયા છે અને પરસેવાની કમાણી કરનાર સામાન્ય નાગરિકની તકલીફ હવે દૂર થવામાં જ છે. નોટબંધીથી ફાયદો થયો હોય કે નહિ, પણ સામાન્ય માણસને આશા જાગી. ગરીબ અને તવંગરને ક્યાંક એક લાઈનમાં ઊભેલા જોઈ સમાનતાની ભાવના જાગી અને કાળું ધન કમાનારને ઊંચાનીચા થતા જોઈને બે ઘડી માટે પણ ન્યાય થયો હોવાની ભાવના જાગી. ત્યાર પછી શું થયું? અપેક્ષાઓ સંતોષાઈ ખરી?
નોટબંધી પછીના એક વર્ષમાં અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી મેળવતાં લોકો પર માઠી અસર પડી હોવાની વાત વિવિધ વર્તુળોમાંથી ઊઠતી રહી છે. અર્થતંત્ર જ્યારે કોઈ આઘાતનો સામનો કરે છે ત્યારે એની સૌથી માઠી અસર છેવાડાના માણસ પર થાય છે. આ આઘાત કુદરતી આફતનો હોય કે પછી માનવસર્જિત ઘટનાનો હોય. વાત ફક્ત સામાજિક કે આર્થિક રીતે છેવાડના સમુદાયોની જ નથી. એવા સમુદાયોમાં પણ સૌથી છેવાડે ઊભેલી હોય છે તેમની સ્ત્રીઓ.
નોટબંધીની એક ચિંતાજનક અસર દેશની લઘુધિરાણ વ્યવસ્થા પર થઇ છે. લઘુધિરાણની વ્યવસ્થાનો આશય આર્થિક રીતે નબળા લોકોને નાણાંની સંસ્થાકીય વ્યવસ્થામાં સમાવવાનો હોય છે. તેના કારણે ગરીબ વર્ગના લોકો નિયમિત બચત કરતા થાય છે. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમને આર્થિક ભીડ પડે, ત્યારે કોઈની પાસે હાથ લાંબો કરવાને બદલે, પોતાની જ બચતનો લાભ મળી રહે.
એ પણ હકીકત છે કે લઘુધિરાણનો સૌથી વધુ લાભ બહેનો લે છે. ફક્ત ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં લઘુધિરાણને સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમ તરીકેની ઓળખ મળેલી છે. તોતિંગ રકમની લોન લેનારાં મોટાં ઉદ્યોગગૃહો લોનની રકમો ગુપચાવે છે, ત્યારે પરસ્પરના ભરોસાના આધારે ચાલતા લઘુધિરાણના તંત્રમાં લોન ભરપાઈ કરવાનો દર ભારતમાં લગભગ 98 ટકા જેટલો ઊંચો રહ્યો છે. ગરીબ માણસ પૈસા પાછા નહીં આપે એવી માન્યતાને આ આંકડા ખોટી સાબિત કરે છે.
ભારતના લઘુધિરાણ ક્ષેત્રની સફળતાનો મુખ્ય યશ લોકોએ, તેમાં પણ ખાસ કરીને બહેનોએ, દર્શાવેલી નાણાકીય શિસ્તને આપવો પડે. લોન લેનાર બહેન સમયસર નાણાં પરત ચૂકવે એટલે તેમની અને સાથેની બહેનોની શાખ સુધરે. તેના આધારે બેંક અને અન્ય નાણાકીય સંસ્થા તેમને ફરી વાર, નિશ્ચિંતતાથી લોન આપી શકે. આ રીતે મળતું નાની રકમનું ધિરાણ ગરીબ વર્ગ માટે વિપરીત પરિસ્થિતિનો સામનો કરવામાં બહુ અગત્યનું બની રહે છે. અલબત્ત નાણાકીય શિસ્તના સંસ્કાર સિંચવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓની વર્ષોની મહેનત અને તેમણે અપનાવેલી નવીન પદ્ધતિઓનો ફાળો ખૂબ મોટો છે.
લઘુધિરાણમાં એટલી નાની રકમ સંકળાયેલી હોય છે કે તેનું ડિજિટાઇઝેશન કરવું વધુ મોંઘું પડે. એટલે આ વ્યવસ્થા હજુ સુધી મુખ્યત્વે રોકડમાં ચાલે છે. નોટબંધી પછીના બે-ત્રણ મહિનામાં પૈસા પરત ચૂકવવાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું હતું. સ્વભાવિક હતું કે એ દિવસો દરમ્યાન તેમની પાસે રોકડ રકમ ન હતી અથવા જે હતી તે તત્કાળ કામ આવે એવી ન હતી. આશા એવી હતી કે નોટબંધીની અસરો હળવી બનશે અને રોકડની તંગી ઘટશે એમ લોકો લોનના હપ્તા ચૂકવવાનું શરૂ કરી દેશે, પણ નોટબંધીના એક વર્ષ પછી પણ આ ક્ષેત્ર તેની અસરમાંથી મુક્ત થયું નથી.
દેશમાં બેંક સિવાયની નાણાકીય સંસ્થા અને લઘુધિરાણની સંસ્થાના નેટવર્કનો ત્રિમાસિક આંકડા આપતા ‘માઈક્રોમીટર’ નામના રિપોર્ટના ઓગસ્ટ 2017ના અહેવાલ પ્રમાણે, લઘુધિરાણની સંસ્થાઓને આંચકો લાગ્યો છે. નોટબંધીના શરૂઆતના દિવસોમાં લઘુધિરાણ સંસ્થાઓના અસીલોની સંખ્યામાં, લોનની સંખ્યાના દરમાં તેમજ લોનની રકમમાં ઘટાડો થયો. ઓગસ્ટ 2017માં, દસ મહિના પછી પણ દેશના કુલ લઘુધિરાણમાં સ્થગિતતા હતી. સ્થગિતતા કરતાં વધુ ગંભીર પ્રશ્ન લોનની ચૂકવણીનો છે. જોખમવાળા ખાતેદારોની સંખ્યામાં ઘણો વધારો થયેલો દેખાય છે. 2017 પહેલાંના ત્રિમાસિક ગાળાના આંકડા દર્શાવે છે કે લગભગ દરેક રાજ્યમાં, સમયસર લોનની ચૂકવણી ન કરી હોય એવા ખાતેદારોની સંખ્યા પહેલાં આશરે એકાદ ટકાની આસપાસ રહેતી હતી. નોટબંધી પછી તે વધીને 12 થી 22 ટકા સુધી પહોંચી છે. ‘વિમેન્સ વર્લ્ડ બેન્કિંગ’ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાના નિષ્ણાત ગેઈલ ગેત્ચાલિયને પણ આ અંગેની ચિંતા સંસ્થાના બ્લોગ પર વ્યક્ત કરી છે.
નોટબંધી પછી ટૂંક સમયમાં જ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હતી. તે પૈકી ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ત્યાંની તત્કાલીન રાજ્ય સરકારે ખેડૂતનાં દેવાં માફ કરવાની જાહેરાત કરી. ચૂંટણીલક્ષી આ જાહેરાતોમાં ખાસ કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે ઘણી ગૂંચવણો અને ગેરસમજ ઊભી થઈ. લઘુધિરાણ મેળવનાર ઘણા લોકોએ માન્યું કે દરેક પ્રકારનાં દેવાં માફ કરવામાં આવ્યાં છે અને તેમાં તેમણે લીધેલી લોનનો પણ સમાવેશ થઈ જાય છે. ઘણા લોકો દેવું ચૂકવી શકે તેમ હોવા છતાં, આ જાહેરાતના પગલે, તેનો લાભ (કે ગેરલાભ) લેવા માટે તેમણે દેવું ચૂકવવાનું માંડી વાળ્યું.
આજે લઘુધિરાણ ક્ષેત્રે અનેક સંસ્થાઓ અને બેંકો કાર્યરત હોવાને કારણે વાતાવરણ સ્પર્ધાત્મક છે. શક્ય છે કે લોન પરત ન ચૂકવનારને અન્ય બેંક પાસેથી લોન મળી જાય, જેને કારણે નાણાં પરત ન કરવાની વૃત્તિને પણ પોષણ મળે. આ ચિંતાનો વિષય છે. કારણ કે શિસ્તભંગનો સિલસિલો શરૂ થઈ ગયા પછી શિસ્તની સંસ્કૃતિને ફરી પાછી બેઠી કરવી અઘરી છે. કાળાં નાણાંના ભૂતને નાથવાના ઉત્સાહમાં શિસ્તબદ્ધ ચાલતા ક્ષેત્રમાં શિસ્તભંગનું પલીત ન પેસે, તેનું પણ ધ્યાન રાખવા જેવું છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: