નેતાઓના ધર્મનો અનિચ્છનીય વિવાદ

‘એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર’ એટલે કે, પ્રેમ અને યુદ્ધમાં બધું જ થાય ને બધું માફ છે.

અંગ્રેજીમાં કહેણી છે, ‘એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર’ એટલે કે, પ્રેમ અને યુદ્ધમાં બધું જ થાય ને બધું માફ છે. આ કહેણી ધર્મવચન કે નીતિવચન નથી, પણ કોઈ ‘વ્યવહારુ’ માણસે તારવી કાઢેલું સગવડીયું ‘સત્ય’ છે, જેની પડખે છુપાઈની અનીતિ કરનારા અપરાધભાવથી મુક્તિ મેળવી શકે છે. ચૂંટણી ટાણે પ્રેમ અને યુદ્ધની સાથે ચૂંટણીપ્રચારને પણ ઉમેરી દેવો જોઈએ, એવું લાગે. કેમ કે, શિષ્ટાચારની જ નહીં, જાહેર જીવનની અને વ્યક્તિગત ગરિમાની બધી હદો ચૂંટણીપ્રચાર સમયે વળોટી જવામાં આવે છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ નેતાઓના ધર્મને લગતા વિવાદના કિસ્સામાં જોવા મળ્યું.

સોમનાથપ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી હિંદુ છે કે નહીં, એવો વિવાદ થયો. વળતા પ્રહાર તરીકે રાહુલ ગાંધી તો ‘જનોઈધારી’ છે, એવા સચિત્ર ખુલાસા એટલી જ આક્રમકતાથી રજૂ થયા. એ વિવાદની શરમ ઓછી થાય, ત્યાં વળી અમિત શાહના ધર્મ વિશે ટીકા કરવામાં આવી કે તે જૈન હોવા છતાં, પોતાને હિંદુ ગણાવે છે. વળી એમ પણ કહેવાયું કે રાહુલ ગાંધી તો ખાનદાની શિવભક્ત છે. તેમનાં દાદી ઇંદિરા ગાંધી શિવભક્ત હતાં અને એટલે જ રુદ્રાક્ષની માળા પહેરતાં હતાં.

રાહુલ ગાંધી હોય કે અમિત શાહ, તે કયો ધર્મ પાળે છે, તેનાથી સામાન્ય મતદાતાઓને શો ફરક પડવો જોઈએ? ધર્મ માણસની વ્યક્તિગત માન્યતાનો વિષય છે. ભારતીય પરંપરામાં બધા ધર્મોના સહઅસ્તિત્ત્વને માનભર્યું સ્થાન મળેલું છે. હિંદુ પરંપરાના સાચા હાર્દમાં પરધર્મીનો તો ઠીક, નાસ્તિકનો પણ તિરસ્કાર કરવાનું કે તેમને પરાયા ગણવાનું કહેવાતું નથી. પરંતુ ઘણા સમયથી ધર્મ વ્યક્તિગત માન્યતાને બદલે સમૂહગત ઓળખનો અને મતના રાજકારણનો મામલો બની ગયો છે. રાજકીય પક્ષો એકબીજા પર ધર્મનું રાજકારણ ખેલવાના આરોપ મૂકે છે અને એવી આશા રાખે છે કે લોકો ફરિયાદી પક્ષના ગોરખધંધા નજરઅંદાજ કરશે.

એક તરફ રાજનેતાઓ ધર્મસ્થાનોની પવિત્રતાના દાવા કરીને, ચૂંટણીટાણે ત્યાં માથું ટેકવવા જાય છે–અને એવી આશા રાખે છે કે લોકો તેમના આ દેખાડાને માની લેશે. ખેદની વાત એ છે કે તેમની આશા હંમેશાં ખોટી નથી પડતી. ધર્મના હાર્દથી દૂર થઈ ચૂકેલા અને રાજકારણના રંગે રંગાયેલી ધાર્મિક ઓળખોનાં ખાબોચિયાંમાં ડૂબકાં ખાતાં ઘણા લોકો પર રાજનેતાઓની આવી તિકડમબાજીની અસર થઈ શકે છે. સામાન્ય વ્યવહારમાં નીતિઅનીતિનો વિચાર ન કરનારા જેમ ગંગામાં ડૂબકી મારીને તેમનાં પાપ ધોઈ કાઢવાની અપેક્ષા સેવે છે, એવું જ કંઇક રાજનેતાઓ વિશે કહી શકાય. તેમની ધર્મસ્થાનોમાં જવાની ચેષ્ટા પણ રાજકીય વૈતરણી તરી જવાની ગણતરી સાથેની હોય છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: